ગુજરાતની પ્રજાના મુખે આવેલો કોળિયો દિલ્હી દરબારમાં ઝૂંટવાઈ ગયો
અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળ વખતે પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ એકપણ ગુજરાતી ભૂલી શકે તેમ નથી.....!!!
ગુજરાત તેની સુવર્ણજયંતીનાં ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાતની લડત માટે જે લોકોએ પોતાના જીવનનાં બલિદાનો આપ્યાં છે તેમને સાચા હ્રદયથી અંજલિ આપવાની ફરજ ચુકાય તેવી નથી.
ભારતને સ્વતંત્રતા મયા પછી ભાષાવાર પ્રાંત રચવાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો. રાજ્યોની પુન:રચના માટે ફઝલઅલીના અધ્યક્ષપદે રચાયેલા પંચે પણ રાજ્યોની રચનાનો સ્વીકાર કર્યો હતો છતાં ૭મી ઓગસ્ટ-૧૯૫૬માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મહારાષ્ટ્ર-ગુજરાતની રચના કરી દીધી અને તેના પડઘા ગુજરાતમાં પડ્યા. આ દિવસે ગુજરાતનાં વર્તમાનપત્રોના પહેલા પાને હેડિંગ હતું કે ગુજરાતના અલગ રાજ્યનું સપનું રોળાઇ ગયું... ગુજરાતની પ્રજાના મુખમાં આવેલો કોળિયો દિલ્હી દરબારમાં ઝૂંટવાઈ ગયો... પ્રજાના આક્રોશનો એ પડઘો હતો.
૭મી ઓગસ્ટ-૧૯૫૬નો દિવસ લોકલડતનો પ્રથમ દિવસ હતો. આઝાદી પછીનો પહેલો દાયકો પૂરો થયો ન હતો અને ગુજરાતના અલગ રાજ્યની આકાંક્ષાઓ પણ મજબૂત બની હતી. બીજા દિવસથી જ મહાગુજરાત ચળવળની શરૂઆત થઈ ચૂકી હતી. નેહરુચાચાના રાષ્ટ્રીય વ્યક્તિત્વ સામે ગુજરાતમાં ઇન્દુચાચા (ઇન્દુલાલ યાઞ્નિક) પ્રસ્થાપિત થયા. ભદ્રના કોંગ્રેસ હાઉસમાં બેઠેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ જવાબ ન હતો. તેમણે ચળવળકારોને કહ્યું કે પ્રદેશ સમિતિની બેઠક ન મળે ત્યાં સુધી રાહ જુઓ.
જોકે આ જવાબમાં ગુજરાતની પ્રજાને ન્યાયની આશા ન હતી. એ રાત્રે પહેલી બેઠક હરહિર ખંભોળજાની લો કોલેજની હોસ્ટેલમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ, નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ, અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના યુવા નેતાઓએ કરી હતી. આ બેઠકમાં પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ અને વિદ્યાર્થી આગેવાનો ઉપસ્થિત હતા. ૮મી ઓગસ્ટે બંધનું એલાન આપવાનું હતું. ૧૯૪૭માં ૯મી ઓગસ્ટે હિઁદ છોડો આંદોલનમાં અમદાવાદના જે યુવાનોએ આઝાદીની લડતના મંડાણ કર્યાં હતાં એ જ ઈતિહાસનું પુનરાવર્તન ૮મી ઓગસ્ટે થયું. ગુજરાતમાં ઓગસ્ટ ક્રાન્તિનાં મંડાણ શરૂ થયાં. દેશની પહેલી કોંગ્રેસ સરકાર સામે લડનારા નેતાઓએ ૮મી ઓગસ્ટે ગુજરાત બંધનો કોલ આપ્યો. આ લડતના સલાહકાર બ્રહ્નકુમાર ભટ્ટ હતા.
૮મીએ સવારે એક સરઘસ ગુજરાત કોંલેજથી કોંગ્રેસહાઉસ ગયું અને બીજું રાયપુર ચકલામાં હતું જ્યાં વાડીલાલના ઓટલા પરથી ખાડિયાના આગેવાન બ્રહ્નકુમાર ભટ્ટે પહેલી સભા સંબોધી હતી. મહાગુજરાત લે કે રહેગેંના નારા સાથે યુવાનો નીકળી પડ્યા હતા. વિદ્યાર્થીઓનાં ટોળાં કોંગ્રેસહાઉસથી ભદ્રમાં આવ્યાં અને ત્યાં જ એકાએક પોલીસ અધિકારી મિરાન્ડાએ ગોળીબારનો હુકમ કર્યો હતો. બનાસકાંઠાના પૂનમચંદની ખોપરી ઊડી ગઈ. ડાિળયા બિલ્ડિંગના સુરેશ જયશંકર ભટ્ટને છાતીમાં ગોળી વાગી. અસારવાના કૌશિક ઇન્દુલાલને માથામાં ગોળી વાગી અને અબ્દુલભાઈ પીરભાઈની છાતી ચિરાઈ ગઈ. જોતજોતામાં ચાર યુવાનો શહીદ થઈ ગયા...!!
આ ગોળીબાર કોના આદેશથી થયો તેની જવાબદારી લેવા કોઈ તૈયાર ન હતું. કોંગ્રેસના નેતાઓએ એમ પણ કહ્યું કે ગોળી ઉપર નામ- સરનામાં લખેલાં હોતાં નથી. કોંગ્રેસ હાઉસમાંથી થયેલા પોલીસ ગોળીબારથી શહીદો અમર રહો- ના નારાઓથી આકાશ ગુંજી ઊઠ્યું હતું. બીજી તરફ રાયપુર ચકલા મધ્યે પોલીસચોકી હતી. ખાડિયાના યુવાનોએ પોલીસચોકીને બંધ કરી સળગાવી દીધી હતી. પોલીસવાનને પણ આગ ચાંપી.
પોલીસજવાનો તેમની જાતને બચાવવા નીકળી પડ્યા. પોલીસ ગોળીબારમાં ચંપકલાલ સોની નામનો યુવાન કામેશ્ર્વરની પોળના નાકે શહીદ થયો. ૧૩મી ઓગસ્ટે શહીદદિન અને ૧૯મીએ જનતા કર્ફ્યૂ આજે પણ લોકોના માનસપટ પર ભૂંસાયો નથી.
૧૩મીએ શહીદદિને લો કોંલેજના મેદાનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા લોકમિજાજનો પરિચય હતો. ૧૫મીએ શહીદ કૌશિકની માતાએ ધ્વજવંદન કરાવ્યું અને કવિ પ્રદીપે ગાયું હતું કે- આજ આંખ મેં આંસુ લે કર બેઠા હૈ ગુજરાત...!! ૧૯મીએ લાલ દરવાજા ખાતે મોરારજી દેસાઈની સભાનું આયોજન કોંગ્રેસ પક્ષે કર્યું હતું. આ સમયે મહાગુજરાતની વિદ્યાર્થી પરિષદે જનતા કર્ફ્યુનું એલાન આપ્યું હતું. સભામાં કોઇ કર્ફ્યું નહીં, એટલે તેઓ ગુસ્સામાં હતા. તેમણે ઉપવાસ શરૂ કર્યા. મહાગુજરાતની લડતના નડિયાદમાં ઘેરા પડઘા પડ્યા. બાબુભાઈ જસભાઈના મકાન પાસે લોકોએ ઘેરો ઘાલતા પોલીસ ગોળીબાર થયો જેમાં પહેલા ત્રણ દિવસમાં જ ૧૪ યુવાનોનાં મોત થયાં અને ૯૦ થી વધારે ઘવાયા...
સુરધાશેઠની માંડવીની પોળ માણેકચોકમાં રહેતા નિવૃત્ત મેજિસ્ટ્રેટના ૩૦ વર્ષના પુત્ર રાજેન્દ્રભાઈ તો કોંગ્રેસહાઉસથી દૂર ઊભા હતા. ત્યાં જ તેમને પેટમાં ગોળી વાગી હતી. ૧૫મી ઓગસ્ટની મધરાતે તેણે જીવ છોડ્યો હતો. કોઈએ તેના વૃદ્ધ પિતાને પૂછ્યું હતું કે દીકરો શું કરતો હતો..? તેના પિતા કાન્તિલાલના શબ્દો હતા કે ગોળીઓ ખાવાનો..!! આ શહીદની સ્મશાનયાત્રા ભવ્યતાથી નીકળી હતી.
મહાગુજરાતમાં આઠમા શહીદ ગોવિંદસ્વામી તિરુમંદસ્વામી હતા. તેઓ કેન્દ્રમાં તામિલનાડુના કર્મચારી હતા. મદ્રાસથી અમદાવાદ આવ્યા હતા. આંદોલનમાં અન્ય રાજ્યોના ભારતીયોએ પણ બલિદાન આપ્યાં છે તે વાતની જ્યારે ખબર પડી ત્યારે મદ્રાસમાં બેઠેલી કમળાબહેન ગોસ્વામી ચોધાર આંસુએ રડતી હતી. આઠમીએ શરૂ થયેલો દમનનો દોર ખાડિયા સુધી લંબાયો હતો. કાન્તિભાઈ પરમાર તેમના નાનકડા ભાઈને શોધવા રિલીફરોડ પરથી પસાર થતા હતા ત્યારે પોલીસે છોડેલી ગોળીએ તેમની ખોપરી તોડી નાંખી હતી. વિધવા માતાનો દીકરો હતો.
આંદોલનના ૧૩મા શહીદ રાયપુર ચકલાની કામેશ્ર્વરની પોળમાં રહેતા ચંપકલાલ શંકરલાલ સોની હતા. તેમની છાતીમાં પોલીસની ગોળી વાગી હતી. આંદોલનના મહિલા અગ્રણી શારદાબહેન ભટ્ટ અને પોળના યુવાનો ઘવાયેલા ચંપકભાઇને વીએસમાં મૂકી આવ્યા હતા ત્યાં તેમણે પોતાના ભાઈને કહ્યું હતું કે બાપુને પજવીશ નહીં. બાપુને આઘાત લાગે તેવી રીતે ખબર આપીશ નહીં... આજે પણ આ શબ્દો ભુલાતા નથી.
૯મી ઓગસ્ટ-૧૯૪૨માં ગાંધીમાર્ગ ઉપર ખાડિયા ચારરસ્તે ઉમાકાન્ત કડિયા શહીદ થયા હતા અને ૧૦મી ઓગસ્ટે વીર કિનારીવાલાએ ગુજરાત કોંલેજમાં પ્રાણ આપ્યા હતા. આઝાદી પછીના ૧૦મા વર્ષે અમદાવાદના એ જ વિસ્તારોમાં સ્વાતંત્ર્ય ભારતની સરકારે ગોળીઓ છોડી હતી. નડિયાદમાં પણ અમદાવાદની ઘટનાઓનો પડઘો પડ્યો હતો. નડિયાદના કોંગ્રેસ ભવનમાંથી પોલીસની ગોળીઓ છુટી હતી અને બે યુવાનો શહીદ થયા હતા. એક યુવાનની સારવાર ચાલતી હતી ત્યારે બીજો યુવાન કહેતો હતો કે પહેલા બાજુના ભાઈની સારવાર કરો. તેને માથામાં વાગ્યું છે. અંતે બંને મૃત્યુ પામ્યા હતા.
ગુજરાતની વીરગાથાઓમાં ૨૪ યુવાનોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યાં હતાં. ગુજરાત મેળવવા માટે ખેલવામાં આવેલો સંઘર્ષ નવી પેઢીને કદાચ યાદ નહીં હોય..!! પણ રકતરંજિત ધરતીમાં ગુજરાત સાવ સસ્તામાં મયું નથી. મહાગુજરાતના આ શહીદોની ખાંભી કોંગ્રેસહાઉસ સામે મૂકવામાં આવી અને ઉપાડી પણ લેવામાં આવી. ૧૭મી ઓગસ્ટ-૧૯૫૮થી ૨૪મી માર્ચ-૧૯૫૯ સુધીના ૨૧૮ દિવસ કરતાં પણ સૌથી લાંબો પ્રજાકીય આંદોલનનો ઈતિહાસ ખાંભીના સત્યાગ્રહે રચ્યો હતો.
મોરારજી દેસાઈએ એવું કહ્યું કે હું દ્વિભાષી રાજ્યમાં માનું છું. તેમણે ધારાસભામાં બિલ રજુ કર્યું અને કહ્યું કે આ કામગીરી મારે માટે કપરી છે પણ ગુજરાત કોંગ્રેસ તેનો અમલ કરીને રહેશે. બીજી બાજુ ગુજરાતને અલગ રાજ્ય આપવાની ચળવળને ધારાશાત્રીઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું. અમદાવાદના જૈન શ્રેષ્ઠી મેયર ચીનુભાઈએ રાજીનામું આપતાં કહ્યું હતું કે અત્યારે મારું સ્થાન અમદાવાદની પ્રજા સાથે છે. તેમના રાજીનામાથી આંદોલનને મોટો ટેકો મયો હતો. ચીનુભાઈના પહેલા ધારાસભ્ય જયકૃષ્ણ હરિવલ્લભ સહિત કેટલાક કોર્પોરેટરોએ પણ રાજીનામાં આપી દીધાં હતાં. મહાગુજરાતની ચળવળ આખા રાજ્યમાં વ્યાપક બની ચૂકી હતી.
અને ગોળી વાગી..!!
કોંગ્રેસ હાઉસની સામે યુવાનો ઊભા હતા ત્યારે એકાએક ગોળીબાર શરૂ થયો. પહેલી ગોળીએ ૧૬ વર્ષના બનાસકાંઠાના યુવાન પૂનમચંદ વીરચંદ અદાણીના માથામાં વાગી અને તે ઢળી પડ્યો. રતનપોળમાં કાપડની દુકાને નોકરી કરતો આ યુવાન મહાગુજરાત લે કે રહેંગે- ના નારા સાથે ટોળામાં નીકર્યો હતો ત્યારે વીંધાઈ ગયો. પૂનમચંદ તેની માતા અને બે પરિણીત ભાઈ અને ભાભી સાથે લહેરિયાપોળમાં રહેતો હતો. આ યુવાનના શબને બાજુએ ખસેડવામાં આવે તે પહેલાં ૧૮ વર્ષના કૌશિક ઇન્દુલાલ વ્યાસને ગોળી વાગતાં તેનાં આંતરડાં શરીરની બહાર નીકળી ગયાં હતાં.
સ્વાતંત્ર્યસેનાની ઇન્દુલાલ વ્યાસ તેમના દીકરાનો મૃતદેહ જોઈને બોલી ઊઠ્યા હતા કે..... હું આઝાદી માટે લડ્યો અને મારો દીકરો આઝાદ ભારતની પોલીસની ગોળી ખાઈને મર્યો. કૌશિકની માતાએ કહ્યું હતું કે હવે મારી જિંદગી ખારી થઈ ગઈ છે. પોલીસ ગોળીબારમાં શહીદ અબ્દુલના પિતાએ પોતાના પુત્રની લાશને જોઈ કહ્યું હતું કે.... એક તો શું બીજા ચાર દીકરાની જરૂર હશે તો મહાગુજરાત માટે બલિદાન આપવા માટે તૈયાર છીએ..!!
એ બલિદાનો એળે નહીં જાય
પોલીસની ગોળીનો ત્રીજો શહીદ સુરેશ ભટ્ટ માત્ર ૧૭ વર્ષનો હતો. ઉમરેઠના જયશંકર ભટ્ટનો તે દીકરો હતો. ધો.-૧૦માં અભ્યાસ કરતા આ કિશોરે લાલ દરવાજાના સ્નાનાગારમાં એક યુવાનને ડૂબતો બચાવ્યો હતો. આ ઘટનાના થોડા દિવસો પહેલાં સુરેશે તેની નોટમાં લખ્યું હતું કે હે પામર મનુષ્ય, તુ માયા છોડી દે, માયા એ જ કલ્પના છે. જે કોઈની થવાની નથી. તું માયાને ત્યજીને શાંતિ મેળવી સુખી થા...!! તેની માતા સવિતાબહેને કહ્યું હતું કે મારા જેવી માતાઓના દીકરાઓનાં બલિદાનો એળે નહીં જાય.
૯મી ઓગસ્ટ-૧૯૪૨માં ગાંધીમાર્ગ ઉપર ખાડિયા ચારરસ્તે ઉમાકાન્ત કડિયા શહીદ થયા હતા અને ૧૦મી ઓગસ્ટે વીર કિનારીવાલાએ ગુજરાત કોંલેજમાં પ્રાણ આપ્યા હતા. શહીદ વીર કૌશિકની ખાંભીને પુષ્પો અર્પણ કરતા વિદ્યાર્થીઓ અને કૌશિકના માતા-પિતા ઇન્દુલાલ વ્યાસ અને શાન્તાબહેન શુક્લ.
રક્તરંજિત ધરતીમાં ગુજરાત સાવ સસ્તામાં મયું નથી. ગુજરાતની વીરગાથાઓમાં ૨૪ યુવાનોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યાં હતાં. જે સંઘર્ષ નવી પેઢીને યાદ નહીં હોય..!!
ચળવળના શહીદોની યાદી
પૂનમચંદ વીરચંદ અદાણીકૌશિક ઇન્દુલાલ વ્યાસ,સુરેશ જયશંકર ભટ્ટઅબ્દુલ પીરભાઈરાજેન્દ્ર કાન્તિલાલ મહેતાદિલીપ સારાભાઈપ્રતાપજી માયાજીગોવિંદસ્વામી તિરુમંદસ્વામીપોપટલાલ મોહનલાલ પંચાલકાન્તિભાઇ ફુલજીભાઈ પરમારહામીદહુસેન ગુલાબહુસેન મોમીનહરિલાલ ઠાકરશી વોરાચંપકલાલ શંકરલાલ સોનીવિશ્નુભાઇ છગનલાલ સોનીસુરેન્દ્ર રાજેન્દ્ર પટેલગોવિંદ શંકરલાલ વાસુદેવ મણિલાલ વસાજયંતીભાઈ હરિવલ્લભ પંડ્યાજીતસિંગ હંસાસિંગશનાભાઈ સોમાભાઈ પ્રજાપતિગનીભાઈ અલીભાઈ સૈયદશાંતિલાલ ચંદુલાલ નાયકરણછોડ રૂપસિંહ પરમારઅરવિંદ રવજીભાઈ પટેલ
(આ લેખ ગુજરાતી વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરની વેબ સાઇટ www.divyabhaskar.co.in માંથી સાભાર લેવામાં આવેલ છે.)
महा गुजरात ले के रहेंगे : जरा याद करो कुरबानी
महेन्द्र पटेल, Saturday, May 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
जय जय गरवी गुजरात!
આ ગુજરાતી શહીદો નૈ મ્હારી તરફ થી બહુ શ્રધાજલી | તમે આ લેખ માટે ખૂબજ અભાર |